ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં તો બુટલેગરો હોમ ડિલીવરી પણ પુરી પાડતા થયા છે. રાજ્યમાં દારુબંધી હટાવવા છેલ્લા ઘણા સમયથી માંગ થઈ રહી છે અને આ મામલે હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી છે.
ત્યારે આ મામલે દારુબંધી હટાવવા થયેલી પિટિશનોની એકસાથે સુનાવણી શરુ થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની દારૂબંધીને બંધારણીય અને કાયદેસર ગણાવતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તેથી અરજદારો તેને આવી રીતે હાઇકોર્ટમાં પડકારી શકે નહીં. જેની સામે અરજદારોની રજૂઆત છે કે સામાન્ય લોકો તેમના ઘરમાં બેસી દારૂ પી શકે તે માટે કેટલીક જોગવાઇઓને આ રિટમાં પડકારવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે જ્યારે ગુજરાત બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું ત્યારે તત્કાલિન બોમ્બે પ્રોહિબિશન એક્ટને પડકારવામાં આવ્યો હતો. એફ.એન. બલસારા વિરૂદ્ધ બોમ્બે સ્ટેટના આ ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 1951માં ગુજરાતમાં લાગુ દારૂબંધીને બંધારણીય અને યોગ્ય ઠેરવી હતી. જેથી હવે આ કાયદાને અરજદારો હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે. રાઇટ ટુ પ્રાઇવસીનું કારણ આપી હવે આ કાયદાને પડકારી ન શકાય. જે-તે સમયે સુપ્રીમ કોર્ટ જ કાયદાને યોગ્ય ઠેરવી ચૂકી છે તો તેને પડકારતી અરજી સુપ્રીમમાં થવી જોઇએ, નહીં કે હાઇકોર્ટમાં. અત્યારે સિનિયર વકીલોનું તારામંડળ આ મુદ્દે દલીલ કરવા હાજર થયું છે પરંતુ આ પિટિશનો ટકવાપાત્ર નથી. જેની સામે અરજદારો તરફથી રજૂઆત કરાઇ હતી કે તેઓ સમગ્ર કાયદાને પડકારી રહ્યા નથી, કાયદાની અમુક જોગવાઇઓને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરી રહ્યા છે.