ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રુપિયા 500 કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ હવે ગુજરાતના વડોદરા શહેરમાં સ્થાપવા જઈ રહી છે. ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાની માહિતી સામે આવી છે.
પ્રથમ તબક્કે 500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના બાદ મેનકાઇન્ડ ફાર્મા તબક્કાવાર રૂ. 1100 કરોડનું રોકાણ કરવાની છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ અંગેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી ‘ઇન્ડિયન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ 2021’ ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ વર્ચ્યુઅલ સાઇનિંગ સેરેમનીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્લાન્ટની સ્થાપના માટેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ અને ‘પ્રોજેક્ટ આઉટ લે’ ને ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ ફાર્માસ્યુટિકલની સ્વીકૃતિ મળી ગઇ છે અને આ સુચિત પ્રોજેક્ટ સ્થાપના માટે ડિપાર્ટમેંટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.તેમજ રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટને પૂર્ણ સહયોગ આપશે. આપને જણાવી દઈએ કે, મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ 100% એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાતમાં ઉત્પાદીત થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા, નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે.