રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તો વર્ષ દરમિયાન અનેક અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે નવીનતમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના રામોદમાં લગ્ન બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો.
તો ડીજેના તાલે ભૂતડા સાથે ફુલેકુ પણ કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, અંધશ્રદ્ધાનું ઝાડ ઘેઘૂર વડલા જેવુ છે, એની વડવાઇઓ પણ એના થડ જેવી મજબૂત થઈ ગઈ છે. ત્યારે તેનો નાશ કરવા વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ વિજ્ઞાન જાથાના સઘન પ્રયાસોથી રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના રામોદ ગામના સ્મશાનમાં લગ્ન બાદ નવદંપત્તિને ઉતારો આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, રામોદના રાઠોડ પરિવારના દિકરાની જાન ગોંડલ તાલુકાના મોવિયા ગામના સુરેશભાઈને ત્યાં ગઈ હતી. મોવિયા ગામની દીકરીને સાથે લગ્ન સમારંભ સંપન્ન થયા બાદ વરરાજા સહિત જાન રામોદ ગામે પરત આવી હતી. જાન પરત આવતાની સાથે જ ભૂતડાના કપડા પહેરી વિજ્ઞાન જાથાના કાર્યકર્તાઓ ફૂલેકામાં જોડાયા હતા. તેમજ નવદંપત્તિનો ઉતારો ગામના સ્મશાનમાં જ રખાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ ભૂત-પ્રેત, વહેમ, અંધશ્રદ્ધા વગેરે જેવા પાયાવિહોણા વિચારોથી ગ્રસ્ત લોકો આનાથી દૂર રહે તે માટેનો હતો.