ભારત સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ્સ અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધીને આ અંગે વિસ્તૃત જાણકારી આપી છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નિયમોમાં ફેરફરા અને ઇન્ટરમીડિયરી જવાબદારી પર નવી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. સાથે જ સરકારકે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતું કે, અમારી સમક્ષ ફરિયાદ આવી હતી કે, સોશિયલ મીડિયા ક્રિમિનલ, આતંકવાદી, હિંસા ભડકાવનારા લોકોને પ્રમોટ કરવાનું પ્લેટફોર્મ બની ગયું છે. હવે સોશિયલ મીડિયાનું ત્રણ સ્તર પર ધ્યાન રાખવામાં આવશે. કંપનીઓએ ચીફ કમ્પલાયન્સ ઓફિસની નિમણૂક કરવી પડશે જે ફરિયાદનું સમાધાન કરશે.
કંપનીઓએ મહિલાઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ 24 કલાકની અંદર હટાવવી પડશે. કંપનીઓએ નિયમોનું પાલન કરવા પર દર મહિને સરકારને રિપોર્ટ આપવો પડશે. મહત્વનું છે કે, ભારતમાં વ્હોટ્સએપના 53 કરોડ, ફેસબુકના 40 કરોડથી વધુ અને ટ્વીટરના 1 કરોડથી વધુ યુઝર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ યુઝર્સની સંખ્યા 21 કરોડ જેટલી છે. ભારતમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઘણો જ ઉપયોગ થાય છે અને આ પ્લેટફોર્મનો દૂરુપયોગ અને ફેક ન્યૂઝની ફરિયાદો પણ ઘણી સામે આવી છે.
જ્યારે વધુમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, OTT પ્લેટફોર્મ/ડિજિટલ મીડિયાએ પોતાના કામની જાણકારી આપવી પડશે. તે કેવી રીતે પોતાના કન્ટેન્ટ તૈયાર કરે છે? જે બાદ તમામને સેલ્ફ રેગ્યુલેશનને લાગૂ કરવા હશે. જે બાદ એક બૉડી બનાવવામાં આવશે. જેને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કે કોઈ અન્ય વ્યક્તિ હેડ કરશે. ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ ડિજિટલ પ્લેટફોર્મને પણ ભૂલ કરવા પર માફી પ્રસારિત કરવી પડશે.