ગુજરાતમાં ચૂંટણીમાં સરેઆમ નિયમોનો ભંગ અને ભીડ કોરોનાને નોતરશે તેવી ભીતિ હોવા છતાં આપવામાં આવેલી છુટછાટને પરિણામે કોરોના ફરીથી માથુ ઉંચક્યુ છે. ગુજરાતમાં હાલમાં જ છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણી પહેલાં રાજ્યમાં કોરોનાનાં કેસો વધી ગયા હતા પણ ચૂંટણીમાં બેફામ રેલીઓ અને સભાઓ અને ઢીલાશને કારણે રાજ્યમાં ફરીથી કોરોનાએ પગપસેરો કરી લીધો છે.
તેવામાં અમદાવાદીઓ માટે પણ ચિંતાજનક સમાચાર છે. કેમ કે, અમદાવાદમાં 3 દિવસમાં 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થઈ છે અને હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હજુ બાકી છે ત્યારે ચૂંટણી સભા ઓ અને સરઘસોએ કોરોનાને વકરાવવામાં મોટો ભાગ ભજવ્યો છે.
ચિંતાજનક રીતે કોરનાના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે જેના પગલે તંત્ર દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે અને 152 ઘરોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં જ નહીં પણ રાજકોટ, વડોદરા તેમજ સુરતમાં પણ ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જેના પગલે અહીં તંત્ર દ્વારા હવે સતર્કતા દાખવવામાં આવી રહી છે.