ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યાં નથી. તેમની જગ્યા અમેરિકી ઇ-કોમર્સ કંપની અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે લઇ લીધી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૌસાદાર કારોબારી બની ગયા છે. એક ટ્વિટના કારણે એલન મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે.
ટેસ્લામાં સૌથી વધુ કડાકો સપ્ટેમ્બર બાદ જોવા મળ્યો. તેમની કંપનીના શેરોમાં કડાકો તેમણે બિટકોઇન અંગે કરેલી કમેન્ટ બાદ આવ્યો. એલન મસ્કે કહ્યું હતું કે, બિટકોઇનની કિંમતો વધુ છે. તે બાદ સોમવારે ટેસ્લાના શેરોમાં પણ ૮.૫ ટકાનો કડાકો જોવા મળ્યો. આનાથી એલન મસ્કની સંપત્તિમાં ૧૫ બિલિયન ડોલરનો ઘટાડો થયો.
મસ્ક બે વખત જેફ બેજોસને પછાડીને સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. જેફ બેજોસ ૧૮૬ અરબ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ધનાઢ્યની યાદીમાં સૌથી ઉપર પહોંચી ગયા છે. આ ઉપરાંત ભારતના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીને આ યાદીમાં એક સ્થાનનું નુકસાન થયુ છે અને તેઓ ૧૨માં સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ ૭૮.૩ અરબ ડોલર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૧.૫૫ અરબ ડોલરનો વધારો થયો છે.