ગુજરાતમાં હાલ ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય વિભાગ કોરોનાથી સતર્ક રહેવાની જરુર હોવાની સલાહ આપી રહ્યું છે. તેવામાં દેશમાં કોરોનાના નવા સ્ટ્રેન પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આણંદના પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3 દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાતા ગામ લોકોએ સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3000 જેટલી વસ્તીનો વસવાટ છે. મહિલા મંડળ કોરોના લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે એક દિવસીય ધાર્મિક યાત્રા કરી પરત ફર્યા હતા અને ત્યારબાદ બીજા સપ્તાહે ગામના યુવાનો પણ ધાર્મિક યાત્રાએ ગયા હતા.
તે બાદ ગામમાં તાવ ,શરદી અને ઉધરસ ના કેસોમાં વધારો થયો કેટલાક નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઈ ગ્રામજનોએ કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે.