સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને હાલના રાજ્યસભા સભ્ય જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણના ષડયંત્રનો મામલો બંધ કરી દેવામાં આવ્યો છે. પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ આ ષડયંત્ર હોવાના રિપોર્ટને આધારે કેસમાં તપાસની પ્રક્રિયા બંધ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ વિરુદ્ધ આ એક ષડયંત્ર હોવાની સંભાવનાનો ઈનકાર કરી શકાય નહીં. આ પ્રકારના ષડયંત્રને જસ્ટિસ ગોગોઈના ચુકાદાઓ સાથે જોડી શકાય છે, જેમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ઉપર તેમના વિચારો પણ સામેલ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના 3 જજોની બેચે કહ્યું કે ઘણા દિવસો વિતી જવાના કારણે કેસ બંધ કરી દેવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એકે પટનાયક કમિટીને ષડયંત્રની તપાસ કરવા કહેવામાં આવ્યું હતુ. કમિટીએ કહ્યું કે તેમણે જાતીય શોષણના મામલામાં તપાસ નથી કરી કેમ કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગોગોઈને આમાં પહેલા જ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે 2019માં એક મહિલાએ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતિય શોષણનો આક્ષેપ કર્યો હતો.