રાજ્યમાં ઠંડીની વિદાય થઈ રહી છે ત્યારે ફરીવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર-શનિવારના રોજ હળવો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે છે.
વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત રાત્રિએ 9 ડીગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં 33.5 ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.1 ડીગ્રીનો, જ્યારે 15.6 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.9 ડીગ્રીનો વધારો થયો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં 14, ભાવનગરમાં 19.5, સુરતમાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગરમીમાં વધારો અનુભવાઇ રહ્યો છે. હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી 3-4 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો વધારો થઇ શકે છે.