ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા આજથી શરૂ થઇ છે. જોકે પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનું પેપર સબમીટ કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. આ ઉપરાંત સર્વર ડાઉન હોવાથી ઘણા વિદ્યાર્થીઓ તો પરીક્ષામાં લોગ ઈન પણ થઈ શક્યા નહતા, તો સર્વર ડાઉનના કારણે લીંક એક્સપાયર થઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. જેને લઈ ગુજરાત યુનિવર્સિટીની સિસ્ટમને લઈ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા 50 મિનિટમાં 50 MCQ પૂર્ણ થયા બાદ પેપર સબમિટ કરવાનું હોય છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓએ પેપર સબમીટ કર્યું તો પેપર સબમીટ ના થઇ શક્યું. અનેક વિદ્યાર્થીઓને સબમિટ કરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. કેટલાક વિદ્યાર્થીઓને એક્સપાઇર થઇ ગયું હોવાનું જણાવતા હતા.
જોકે જેમની પરીક્ષા પૂર્ણ ન થઇ શકી હોય તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગે એક સૂચના આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ફેબ્રુઆરી 2020 ઓનલાઇન પરીક્ષા અંતર્ગત આજે લેવાયલી પરીક્ષાઓ દરમિયાન જે વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ ન કરી શક્યા હોય અથવા વિક્ષેપ પડેલ હોય તેમની પરીક્ષા પૂર્ણ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જે અંગેની વિગતવાર જાહેરાત વેબસાઇટ www.gujaratuniversity.ac.in પર કરવામાં આવશે.