વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ભારત વર્સિસ ઇંગ્લેન્ડ સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ તેમજ 5 T20 મેચના આયોજનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમય બાદ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય મેચના આયોજનને લઈ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં 24 ફેબ્રુઆરીએ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે.
24 ફેબ્રુઆરીથી શરૂ થતી ભારત vs ઇંગ્લેન્ડની ત્રીજી વાઈટ બોલ એટલે કે ડે નાઈટ ટેસ્ટ મેચ માટેની ટિકિટ આવતીકાલથી ઓનલાઈન મળશે. જેમાં મેદાનની કુલ સીટીંગ કેપેસિટી મુજબ 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.
‘બુક માય શો’ એપના માધ્યમથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચની ટિકિટ આવતીકાલથી મળશે. ટેસ્ટ મેચ રમાતી હશે તે સમયે જે તે દિવસની ટીકીટનું વેચાણ GCA દ્વારા મોટેરા મેદાન ખાતેથી પણ કરાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 મેચની ટિકિટ 1 માર્ચથી મળશે. તમામ T20 મેચની ટિકિટ પણ ઓનલાઈન ‘બુક માય શો’ એપ પરથી જ ઉપલબ્ધ થશે.
શું હશે ટેસ્ટ ટિકિટના ભાવ?
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વાઈટ બોલ ટેસ્ટ મેચની એક ટિકિટનો ભાવ 300 થી લઈ 2500 સુધી નક્કી કરાયો છે. ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ આવતીકાલથી શરૂ થશે. મેદાનમાં જુદી જુદી જગ્યા મુજબ 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયામાં ટિકિટ ઓનલાઈન મળશે.
શું હશે T20 મેચની ટિકિટના ભાવ?
ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 ની ટિકિટો 1 માર્ચથી ઓનલાઈન મળશે. બુક માય શો એપ્લિકેશન પરથી તમામ 5 T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટ મળશે. T20 મેચ માટે એક ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. જેમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે.