બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ દારૂની મસમોટી હેરાફેરી ઝડપાઈ છે. જેમાં દારૂ ભરેલા ટ્રેલર સાથે કુલ રૂપિયા 38.68 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની બનાસકાંઠા એલસીબીની ટીમે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો છાસવારે સામે આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભા કે પછી લોકસભાની ચૂંટણી હોય પણ ચૂંટણીમાં દારૂની રેલમછેલ થઈ ન હોય તેવુ કદાચ ભાગ્યે જ બન્યું હશે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા બુટલેગરો બેફામ બન્યા છે અને અત્યારથી જ દારૂનો સ્ટોક કરવા લાગ્યા છે.
ત્યારે જિલ્લાના પાલનપુર તાલુકાના છાપી હાઇવે પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલા ટ્રેલરને ઝડપી પાડ્યુ છે. દારૂ ભરેલું આ ટ્રેલર રાજસ્થાનથી બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર થઈ અન્ય જિલ્લાઓમાં જઈ રહ્યું હતું. પોલીસને ખાનગી રાહે બાતમી મળતા જ આ ટ્રેલરને છાપી પાસે થોભાવી ચેક કરતાં તેમાંથી દારૂની 25940 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રેલર સહિત કુલ 38.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રેલર ચાલક અને ક્લીનરની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.