પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે 15 જૂને થયેલ લોહિયાળ સંઘર્ષમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા હતા, જેને લઈને રશિયાની સમાચાર એજન્સીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રશિયાની સમાચાર એજન્સી તાસે જણાવ્યું કે , આ હિંસામાં ઓછામાં ઓછા 45 ચીની સૈનિકો માર્યા ગયા હતા. તો 20 ભારતીય જવાનો આ હિંસામાં શહિદ થયા હતા.
રશિયાની સમાચાર એજન્સીના આ દાવા બાદ અત્યાર સુધી પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા તે મુદ્દે ભેદી મૌન સેવનાર ચીન ખુલ્લુ પડ્યુ છે. રશિયાની સમાચાર એજન્સીનો આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે બન્ને દેશોની સેના પેંગોગ લેક પરથી પોતપોતાના સૈનિકોને પરત ખસેડવા માટે સહમત થઈ છે.
મહત્વનું છે કે, છેલ્લા 9 મહિનાથી લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીનની સેના આમને સામને છે. બન્ને દેશોએ સરહદે લગભગ 50-50 હજાર જવાનો ખડક્યા હતા. અગાઉ ચીને ભારત સાથેની બેઠકમાં જણાવ્યુ હતું કે, ગલવાન ખીણમાં થયેલ સંઘર્ષમાં તેના 5 જવાનો માર્યા ગયા હતા. જેમાં ચીની સેનાનો એક કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ હતો. જોકે, રશિયાની સમાચાર એજન્સીના આ દાવાએ ચીનની પોલ ખોલી દીધી છે. મહત્વનું છે કે, ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પણ ચીનના ઓછામાં ઓછા 35થી 40 સૈનિકો અથડામણમાં માર્યા ગયા હોવાની વાત કરી હતી.