છેલ્લા ઘણા સમયથી હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઈપેન્ડને લઈ નારાજગી દર્શાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટાઈપેન્ડને લઈ થોડા દિવસો અગાઉ જ ઈન્ટર્ન તબીબોએ મહેસાણા, સાવલી ખાતે રેગ્યુલર સ્ટાઈપેન્ડની માંગ સાથે દેખાવો કર્યા હતા. જોકે તેમ છતાં હજી સુધી તેમની માંગણી ન સંતોષાતા તેઓ આજે ફરી એકવાર ધરણા પર ઉતરી ગયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરા સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, આણંદ તેમજ મહેસાણા હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ગુજરાત તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
400થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ પરિપત્ર પ્રમાણે ન મળતું હોવાના આક્ષેપ સાથે ધરણા પર ઉતરી ગયા હતા. તો કેટલાક વિદ્યાર્થીઓએ ટ્વિટર પર પણ પોતાની માંગને લઈ રજૂઆત કરી હતી.
હડતાળ પર ઉતરનાર વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પરિપત્ર પ્રમાણે 9000 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવવાના હોય છે, આમ છતાં છેલ્લા ત્રણ મહિનાથી માત્ર 5200 રૂપિયા જ ચૂકવવામાં આવે છે.
ત્યારે તેમને 9 હજારનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઈન્ટર્ન તબીબોએ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આગામી દિવસોમાં તેમની માંગ નહીં સંતોષવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.