સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લેનાર ખતરનાક કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તે હજી પણ એક રહસ્ય બનેલુ છે. વર્ષ 2019ના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાનથી આ વાયરસ દુનિયાના અનેક દેશોમાં ફેલાયો. આ વાયરસની ઉત્પતિની તપાસ માટે કેટલાક દિવસો પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની ટીમ વુહાન પહોંચી હતી.
ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ડબલ્યુએચઓની ટીમની આ તપાસ પૂર્ણ થઈ છે અને તેમના હાથે કેટલાક મહત્વના પુરાવા લાગ્યા છે. જે અંગેનો ખુલાસો ડબલ્યુએચઓ બુધવારે કરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ, વાયરોલોજી લેબ તો નહીં પણ ચીનના સી ફૂડ માર્કેટોનો રોલ વાયરસના સંક્રમણ માટે શંકાસ્પદ છે.
કારણ કે જ્યારે કોરોના વાયરસ ફેલાયો તો સૌપ્રથમ આ માર્કેટોને બંધ કરવામાં આવ્યા હતા. જેથી માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ સીફૂડ માર્કેટથી આવ્યો હોઈ શકે છે. ટીમના એક સભ્યએ જણાવ્યું કે, તેમની ટીમે વિવિધ જગ્યાની મુલાકાત લીધી છે. સાથે જ આવનારા થોડા દિવસો આ વિશે વધારે માહિતિ મેળવશે અને ચીનના નિષ્ણાંતો સાથે વાતચીત પણ કરશે. સાથે જ બુધવારે તેઓ રવાના થાય તે પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના સંશોધનની માહિતિ પણ આપશે.