કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે હવે વિશ્વભરના અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે અમેરિકાનું નિવેદન પણ સામે આવ્યું છે. અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે.
અમેરિકાએ કહ્યું છે કે તે આવા પગલાઓનું સ્વાગત કરે છે અને આ પગલાં પ્રાઇવેટ સેક્ટરને આકર્ષિત કરશે. ભારતમાં ચાલી રહેલા આંદોલન પર વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા માને છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઈ પણ લોકતંત્રની ઓળખ છે.
મતભેદો હોય તો વાતચીતના માધ્યમથી તેનું સમાધાન આવી શકે છે. સમાચાર એજન્સી ANI અનુસાર ડીપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા શાંતિપૂર્ણ વિરોધને લોકતંત્રની ઓળખ માને છે. ભારતીય સર્વોચ્ચ અદાલતે પણ શાંતિપૂર્ણ આંદોલનનું સમર્થન કર્યું છે. અમેરિકા આવા પગલાંઑનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોમાં સુધારા લાવશે અને પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણને આકર્ષિત કરશે. તેમણે કહ્યું કે લોકો સુધી કોઈ પણ રૂકાવટ વગર ઈન્ટરનેટ સહિતની સુવિધાઓ પહોંચવીએ અભિવ્યક્તિની આઝાદીનો મૂળભૂત અધિકાર છે. આ એક સફળ લોકતંત્રનું પ્રમાણ છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસની બોર્ડર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને હવે આ મુદ્દા પર વિશ્વના ઘણા લોકોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી છે