સામાન્ય બજેટ 2021માં સરકારે સ્વાસ્થ્ય પર પોતાનો ખર્ચ વધારી દીધો છે. જોકે, આ ખર્ચને પહોંચી વળવા માટે સરકારે અનેક ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી અને ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી-ઘટાડી છે. અમુક પર સેસ વધારો દીધો છે. વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી ઉદ્યોગ તેમજ જેમ્સ-જ્વેરી ઉદ્યોગને ઘણી મોટી રાહત આપી છે. બજેટમાં સરકારે બુલિયન અને જેમ્સ જ્વેલરી ઉદ્યોગને રાહત આપતા કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. બજેટમાં સરકારે સોનાના પરની આયાત જકાત ઘટાડીને 7.5 ટકા કરી છે જે હાલ 12.5 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, ચીન બાદ ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. મોદી સરકારે જૂલાઇ-2019માં સોના-ચાંદીની આયાત જકાત વધારીને 12.5 ટકા કરી હતી. હવે વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સરકારે સોના-ચાંદી પરની આયાત જકાત ઘટાડતા આ કિંમતી ધાતુઓના ભાવ ઘટવાની શક્યતા છે.
જ્યારે સરકારે બજેટમાં પેટ્રોલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. જેનાથી બંનેની કિંમત વધી શકે છે. તો મોબાઈલ અને ચાર્જર સહિતના પાર્ટ્સને લઈ મહત્વની જાહેરાત બજેટમાં કરાઈ હતી.
જે અંતર્ગત મોબાઈલ ટેક્નોલોજી પર કસ્ટમ ડ્યુટીને વધારી દેવાઈ છે. હવે તેમાં 2.5 ટકા સુધી વધારો કરી દેવાયો છે. જો કે, તેની સામે કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી છે.