નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાની સરકારનું વર્ષ 2021-22નું બજેટ સોમવારે સંસદમાં રજૂ કર્યુ હતું. બજેટમાં ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરતા નાણાં મંત્રીએ પટારો ખોલ્યો હતો. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું.
નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે મહત્વની કેટલીક જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે MSPના મામલે મૂળભૂત પરિવર્તન કરાશે. આ સાથે મંત્રીએ 2021 વર્ષ માટે ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ ઉપરાંત 1000 એપીએમસી માર્કેટ ઓનલાઇન કરાશે. નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટમાં આજે ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી.
જેની વિગત આપતા નાણાં મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પર કાયમ છે. સરકારે 2021-22માં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ રાખ્યો હોવાની વાત નાણાં મંત્રીએ કરી હતી. ઓપરેશન ગ્રીન યોજના થકી નુકસાન પાકોમાં 22 પાકોને આવરી લેવામાં આવશે. એપીએમસી પાસે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં પણ પ્રવેશ હશે. આ ઉપરાંત ખેડૂતોને એમએસપી મામલે મૂળભૂત પરિવર્તનની પણ વાત કરવામાં આવી હતી. ખેડૂતોને દોઢ ગણી વધુ એમએસપી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ સિંચાઈ માટે 5 હજાર કરોડ, દાળ પકવતા ખેડૂતો માટે 10 હજાર કરોડ, અનાજ પકવતા ખેડૂતો માટે 1.72 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે મોટી જાહેરાત કરતા નાણાં મંત્રીએ જણાવ્યું કે, કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પરાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનાવવામાં આવશે. તેમજ તમિલનાડુમાં બહુહેતુક સી-વિડ પાર્ક બનાવવામાં આવશે.