કૃષિ કાયદાને લઈને છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. કૃષિ કાયદાને પરત લેવાની માંગ સાથે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર હરિયાણા અને પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ટોલ વસૂલીમાં 600 કરડો રૂપિયાનું નુકસાન થયું છે.
રેટિંગ એજન્સી ઈક્રાના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. સાથે જ સ્ટેકહોલ્ડર દ્વારા લેવાયેલા 9300 કરોડથી પણ વધારે ઉધાર સંકટમાં છે. મળતી માહિતી અનુસાર આંદોલનથી પ્રભાવિત રાજ્યોમાં 2020-21માં ટોલ વસૂલીમાં લગભગ 30-35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જ્યારે કોરોના મહામારીના કરાણે દેશના અન્ય ભાગમાં પણ 5-7 ટકાનો ઘટાડો નોંધાયો છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં રાષ્ટ્રીય હાઈવે પર સ્થિત કુલ 52 ટોલ પ્લાઝા ખેડૂતોના આંદોલનના કારણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં સ્ટેટ હાઈવે પ્રોજેક્ટમાં બોજ વધશે. હિસાર જિલ્લાના ખેડૂતો દ્વારા ફ્રી કરાયેલા ચારેય ટોલ નાકા પર 55 દિવસમાં 22 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન સૌથી વધુ જગ્યાઓમાં રામાયણ ટોલ અને બાડોપટ્ટી ટોલ પર નોંઘાયું છે. આ ટોલ દિલ્હી અને હિસારથી ચંડીગઢને જોડે છે. બંને ટોલ પરથી દિવસના લગભગ 30 હજારથી વધારે વાહનો પસાર થાય છે. ટોલને લઈને નવા આદેશ ન આવવાના કારણે ટેક્સનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને કંપનીઓ પણ ચિંતામાં છે.