અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ માટે શાહીબાગ ખાતે આવેલ બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર શાહીબાગના કોઠારી પૂજ્ય આત્મકીર્તિ સ્વામી, પૂજ્ય નિખિલેશ સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં ઠાકોરજીના વિધિવત વેદોક્ત પૂજન બાદ રસીકરણનો આરંભ થયો હતો.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિ. શ્રી વિપુલ મહેતા, મેડી. ઓફિસર હેલ્થ શ્રી ભાવિનભાઈ સોલંકી, ડેપ્યુટી હેલ્થ ઓફિસર (મધ્ય ઝોન) ડો. હેમેન્દ્ર આચાર્ય, આસિ. કમિ. શાહીબાગ વોર્ડ સાગરભાઈ પિલુચીયા સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલ તથા કોર્પોરેશનના ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફે રસીકરણનો લાભ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના વિકટ સંજોગોમાં લોકહિતના અનેક સેવાકાર્યોનું વહન કરનારી બી.એ.પી.એસ. સંસ્થા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી કોરોના રસીકરણ અભિયાનમાં પણ વડોદરા અને સુરત બાદ અમદાવાદમાં પણ રસીકરણ કેન્દ્ર માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડીને ખૂબ મહત્ત્વનું યોગદાન આપી રહી છે. અંદાજે 100 જેટલા લોકોને રસી આપવામાં આવી છે.