રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે ધો-3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ આધારીત સાપ્તાહિક કસોટી લેવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રાયોગિક ધોરણે 23 જાન્યુઆરીના રોજ ધો-3થી 5ના વિદ્યાર્થીઓની કસોટી લેવાશે. ત્યારબાદ દર સપ્તાહે આ કસોટી લેવાનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીએ વોટ્સએપ પર પોતાની નોંધણી કરાવી દર સપ્તાહે આ પરીક્ષા આપવાની રહેશે.
પરીક્ષામાં 10 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે અને પરીક્ષા આપ્યા બાદ તરત જ તેનું મૂલ્યાંકન પણ કરી જાહેર કરાશે. જેમાં વિદ્યાર્થીને જે મુદ્દાઓમાં કચાશ હશે તેની વીડિયો લિંક પણ મોકલાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હોમ લર્નિંગ અંતર્ગત ડીડી ગીરનાર ચેનલ પર ધો-1થી 8ના એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. સમગ્ર શિક્ષા દ્વારા ધો-9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત લાઈવ ઓનલાઈન ક્લાસિસ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ હાલમાં ડિસ્ટન્સ મોડથી અભ્યાસ કરી રહ્યા હોઈ તેમના લર્નિંગ લેવલને ચકાસવાનું નક્કી કરાયું છે.. આ માટે સમગ્ર શિક્ષા દ્વારા એક વોટ્સએપ બેઈઝ સાપ્તાહિક મૂલ્યાંકન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.