કોરોનાના કારણે બંધ માધ્યમિક શાળાઓ ચાલુ કરવા તાજેતરમાં રાજય સરકારે ગાઇડલાઇન્સ મુજબ છૂટ આપી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
એક સાથે આટલી બધી વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થતા શાળાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
જે વર્ગોમાં અભયાસ અર્થે આવેલા વિદ્યાર્થિનીઓના કોરોના રેપીડ એન્ટીજીન ટેસ્ટ કરાયા હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ શાળા ખાતે દોડી ગયા હતા.
કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થિનીઓને હોમ આઇસોલેટ કરવા શાળા ટ્રસ્ટ અને તંત્રએ તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત સમગ્ર શાળા સંકુલ-હોસ્ટેલને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે શાળા-સંકુલમાં રહેલ અન્ય વિદ્યાર્થિનીઓને કોરોના માટે સજાગ રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.