વિદેશ પ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં વિદેશ મંત્રીએ વિશ્વભરમાં આતંકવાદ સામે લડવાની રાજકીય ઇચ્છાશક્તિની હાકલ કરી હતી. યુએનએસસીમાં જયશંકરે પાકિસ્તાન અને ચીન પર પણ નિશાન સાધ્યુ હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધીને કહ્યું હતું કે આતંકવાદ અથવા આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લાદવાના પ્રયત્નોમાં અવરોધ નાંખવો બંધ કરવો જોઈએ. ભારતે આડકતરી રીતે ચીનનો હવાલો આપ્યો છે, જેણે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોને વારંવાર અવરોધિત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદને ન્યાયી ઠેરવવા અને તેનું ગૌરવ વધારવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
પાકિસ્તાનમાં સંતાઇ રહેલા દાઉદ ઇબ્રાહિમને આડકતરી રીતે ટાંકીને તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલને કહ્યું હતું કે, 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદાર ગુનેગારોને માત્ર પાકિસ્તાન સરકારનું રક્ષણ જ નથી મળતું, પરંતુ તેઓ ફાઇવ સ્ટાર હોટેલ જેવી મહેમાનગતિ પણ માણે છે. આ દરમિયાન વિદેશ મંત્રીએ આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો હોવાનું પણ જણાવ્યુ હતું.