– સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસના મૂળિયા શોધવા હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ કામે લાગી છે. આખરે કોરોના મહામારીના એપીસેન્ટર એવા ચીનના વુહાન શહેરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોની ટીમ ગુરુવારે કોરોનાના ઉદ્ભવ અંગેની તપાસ કરવા પહોંચશે તેમ ચીને જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને જણાવ્યું હતું કે, ગુરુવારે હૂના નિષ્ણાતો વુહાન આવશે. જો કે તેમના કાર્યક્રમની અન્ય વિગતો ચીન દ્વારા જાહેર કરવામાં આવી નહતી. ચીન સરકારના રાષ્ટ્રીય આરોગ્ય પંચે પણ વધુ વિગતો જણાવી નથી.
ચીન દ્વારા ભારે આનાકાનીના અંતે નિષ્ણાતોને તપાસ માટે મંજૂરી આપવામાં આવી છે સૂત્રોના મતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોની ટીમ મહિનાઓ સુધી વુહાનમાં રોકાઈ શકે છે. ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ એધેનોમ ઘેબ્રેયેસસે ગત સપ્તાહે નિષ્ણાતોની ટીમને અંતિમ મંજૂરી આપવા વધુ સમય લેવાતો હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ વુહાનમાં જે સ્થળે કોરોના વાયરસનો સૌપ્રથ કેસ નોંધાયો ત્યાં જઈને વાયરસના મૂળ જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગાઉના કેસોમાં સંક્રમણની સ્થિતિ વિશે પણ ટીમ તપાસ કરશે.