છેલ્લા ઘણા દિવસથી કૃષિ કાયદાને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના આંદોલન સંબંધિત તમામ અરજીઓ પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને નથી ખબર કે સરકાર આ કાયદાઓને કેવી રીતે હેન્ડલ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે પ્રક્રિયા ચાલુ હોવાથી તે ખૂબ જ નિરાશ છે અને થોડા સમય માટે આ કાયદાઓ પરના પ્રતિબંધ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. .
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો કેન્દ્ર આ કાયદા પર પ્રતિબંધ નહીં લગાવે તો કોર્ટ આ કૃષિ કાયદા ઉપર પ્રતિબંધ લાદશે. આ કેસની સુનાવણી શરૂ થતાની સાથે જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએસ બોબડેએ કહ્યું કે નવા કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે જે રીતે વાટાઘાટો ચાલી રહી છે તેનાથી અમે ખૂબ નિરાશ છીએ. સુપ્રીમે કૃષિ કાયદાઓ અંગેની સમિતિની જરૂરિયાતને પુનરાવર્તિત કરતાં કહ્યું કે જો સમિતિ સૂચવે તો તે આ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકશે.