વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાની બે વેક્સીનને મંજૂરી મળવાની સાથે જ દુનિયાની નજર હવે ભારત પર ટકેલી છે. તેવામાં બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જાયર બાલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી એસ્ટ્રાજેનેકા વેક્સીનના 20 લાખ ડોઝ આપવાનો અનુરોધ કર્યો છે.
નોંધનીય છે કે, DCGIએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોના પત્રને તેમની પ્રેસ ઓફિસમાંથી જાહેર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, અમેરિકા બાદ બ્રાઝીલમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. બ્રાઝીલમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,01,542 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે આ બીમારીના ઝપટમાં 80,15,92O લોકો આવી ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખ જાયર બોલસોનારોએ પત્ર લખીને નરેન્દ્ર મોદીને કહ્યું છે કે બ્રાઝીલ પર વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે. તેઓએ કહ્યું કે, જ્યારથી બ્રાઝીલની આસપાસના દેશોમાં કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થયો છે ત્યારથી બ્રાઝીલની જનતા સતત સરકાર પર આ વાતને લઈ દબાણ ઊભી કરી રહી છે