રામાયણના સમયથી ધાર્મિક અને પૌરાણિક મહત્વત ધરાવતા ધનુષકોડી, રામ-સેતુ રામેશ્વરમાં આજે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો શુભારંભ થયો હતો. વહીવટી તંત્ર દ્વારા કોરોના સંબંધિત જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં શ્રોતાઓને રામકથામાં આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. માનસ રામસેતુ વિષયની સાથે આજની રામકથાનો પ્રારંભ કરતાં બાપુએ માનસમાં લંકાકાંડના મંગલાચરણ અંતર્ગત બીજા શ્લોકનું વિવરણ કરતાં કહ્યું કે તેમાં બે-બે વસ્તુના સુમેળ કરીને તુલસીદાસજીએ સેતુબંધનો સંદેશ આપ્યો છે. બાપુએ આ શ્લોકના પ્રત્યેક ચરણમાં આધ્યાત્મ અને ઇતિહાસના સેતુનું સુચારૂરૂપે દર્શન કરાવ્યું.ભૌગોલિક સેતુની વાત કરતાં બાપુએ કહ્યું કે નાસાએ સિદ્ધ કર્યું છે કે અહીં સેતુ હતો અને આંશિક હજી પણ છે. વિશ્વકર્માના પુત્ર નલમાં પણ વિશ્વકર્મા જેવી સર્જન કુશળતા હતી. થોડાં જ દિવસોમાં તેમણે સૌ યોજનનો સેતુ બનાવ્યો હતો. આ સંદર્ભમાં બાપુએ ભાવનાત્મક શૈલીમાં પોતાનો સ્પષ્ટ મનોરથ જાહેર કર્યો કે મારી વ્યાસપીઠ ઇચ્છે છે કે અહીંથી શ્રીલંકા સુધી ફોર-વે રામસેતુ બની જાય. બાપુએ કહ્યું કે મેં રામેશ્વરની કથામાં સંકલ્પ સાથે સેતુનો પાયો નાંખ્યો છે. રામસેતુનો આધ્યાત્મિક પાયો વ્યાસપીઠ નાખી રહી છે, ઐતિહાસિક પાયો રાજપીઠ નાંખી દે, તેવી ધનુષકોડીમાં ઠાકુરજીને પ્રાર્થના છે. આજે હિંદુસ્તાનમાં આ અવસર છે.
બાપુએ ઉમેર્યું હતું કે આજની ટેક્નોલોજી અને સંસાધનોના ઉપયોગથી આ 21 કિમીના સેતુમાં વધુ સમય લાગશે નહીં. પરમાત્માના પ્રતાપની છાયામાં આપણે પુરુષાર્થ કરીએ તો પારિવારિક, પારમાર્થિક, રાષ્ટ્રીય કોઇપણ કાર્ય સફળ થઇ જાય છે. આપણા પ્રધાનમંત્રી ભૂમિ-પૂજન કરે અને સામે લંકા તરફથી પ્રયાસ થાય તો ત્યાં જઇને મોરારીબાપુ કથા કરે. વાલ્મીકીય રામાયણનો મત પ્રકટ કરતાં તેમણે કહ્યું કે શ્રીરામે અહીં જટાયુ, શબરી અને વાલીને તિલાંજલી આપી હતી કારણકે સાગર સમગ્ર તીર્થોનો સંગ્રહ છે. યુદ્ધ અને શાસ્ત્રના સંદર્ભમાં બાપુએ પોતાનો મત આપતાં કહ્યું કે શાસ્ત્ર અને શસ્ત્ર બંન્નેથી અંતર રાખીને બેઠો છું કારણકે દરેક વાત આજના સંદર્ભમાં સ્વિકાર કરાતી નથી. નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં બાપુએ કહ્યું કે આ દિવસની ઘણી ઉજવણી કરો, પરંતુ આપણી ભારતીય તિથિઓને ક્યારેય ન ભુલવી. રામનવમી, શિવરાત્રી, જન્માષ્ટમી અને નવરાત્રી પણ મનાવો. ક્રિસમસ ટ્રીનો જરૂરથી આદર કરો, પરંતુ તુલસીના રોપાને ભુલશો નહીં.