દેશભરમાં કોરોના મહામારી વચ્ચે વેક્સિનેશનની કામગીરીને લઈ ભારત સરકારે તમામ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વેક્સિનને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. અખિલેશ યાદવે લખનઉમાં મોટું નિવેદન આપતા જણાવ્યું કે, હું બીજેપીની કોરોના વેક્સીન લગાવીશ નહીં, કારણ કે મને બીજેપી પર વિશ્વાસ નથી.
અખિલેશે બીજેપી પર કટાક્ષ કરતા કહ્યું કે જે સરકાર તાળી અને થાળીઓ વગાવડાવી રહી છે તે વેક્સીનેશન માટે આટલી મોટી ચેઇન કેમ બનાવી રહી છે. તાળી અને થાળીથી જ કોરોનાને ભગાડી ના દે.
તેમણે કહ્યું હતું કે હું હાલ કોરોના વેક્સીન લગાવીશ નહીં. હું બીજેપીની વેક્સીન પર કેવી રીતે વિશ્વાસ કરી શકું. તેમણે જણાવ્યું કે, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને મફત વેક્સીન મળશે. અમે બીજેપીની વેક્સીન લગાવી શકીએ નહીં. મહત્વનું છે કે, આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્રની મોદી સરકાર પર વેક્સિનને લઈને થઈ રહેલુ મોડુ અને વેક્સિનેશનની પ્રક્રિયાને લઈ નિશાન સાધ્યુ હતું.