ભારતમાં કોરોનાનો કહેર હજી યથાવત છે. ત્યારે દેશમાં વેક્સીનને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સીનની તૈયારીની સમીક્ષા કરવા માટે દેશભરમાં કોરોનાની વેક્સિનને લઈ ડ્રાય રન ચાલી રહ્યો છે. આ પ્રસંગે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને મોટી જાહેરાત કરી છે.
સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત મુજબ, તમામ દેશવાસીઓને મફતમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કોરોના મહામારી વચ્ચે ખૂબ જ આવકારદાયક ગણવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 જિલ્લામાં 259 જગ્યા પર કોવિડ-19 અંગે ડ્રાય રનનું આયોજન થયું છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હૉસ્પિટલ જઈને વેક્સીનના ડ્રાય રન વિશે માહિતી મેળવી હતી. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19,079 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,03,05,788 થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,50,183 સક્રિય કેસ નોંધાયેલા છે. આ સાથે દેશમાં અત્યારસુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 99,06,387 છે.