ઉતરાયણ નજીક આવી રહી છે. પરંતુ આ વખતે કોરોના કાળ છે. જેથી પતંગોમાં પણ આ વર્ષે કોરોનાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં વેપારીઓ દ્વારા કોરોનાને લઈને પતંગ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કોરોના વોરીયર્સ, ગો કોરોના ગો, કોરોનાથી બચવા માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો વગેરે જેવા મેસેજ આપતા પતંગ જોવા મળી રહ્યા છે.
કોરોનાને કારણે અન્ય માર્કેટની જેમ પતંગ બજારમાં પણ ઘરાકી પર અસર જોવા મળી રહી છે. અમદાવાદની વાત કરીએ તો જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, શાહઆલમ જેવા વિસ્તારમા પતંગ બનાવાની કામગીરી કરવામા આવે છે. અમદાવાદમા પતંગના કારીગરો છે જે વિવિધ પ્રકારના પતંગ બનાવાની કામગીરી કરે છે.
પેઢી દર પેઢી આ વ્યવસાય કરવામા આવે છે. પતંગ ઉત્પાદકોને દર વર્ષ કરતા ઓછા ઓર્ડર મળ્યા છે..વેપારીઓનું માનીએ તો આ વર્ષે 50 ટકા ઘરાકી રહેશે તેવુ લાગી રહ્યુ છે. ઉતરાયણ આવતા પહેલા માર્કેટમાં પતંગની ખરીદી માટે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે તે પ્રકારનો માહોલ નથી. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે ઉતરાયણના અંતિમ દિવસોમા સારી ઘરાકી રહેશે.