ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈને અત્યારથ જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે. જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને ઝંપ લાવી રહી છે.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે મહત્વની જાહેરાત કરી હતી. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે.
પોતાના ટ્વિટમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યુ કે, ગુજરાતમાં ભાજપના શાસનથી લોકો ત્રસ્ત થઈ ચુક્યા છે. જ્યારે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.
દિલ્હીમાં થયેલ આમ આદમી પાર્ટી સરકારના શાનદાર કામથી ગુજરાતના લોકો પણ પ્રભાવિત છે અને પાર્ટી તરફથી મોટી આશા છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ આ અંગે ટ્વિટ કર્યુ હતું અને ગુજરાતમાં તમામ સીટો પર આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડશે અને વિધાનસભા 2022ની ચૂંટણી પણ પૂરી તાકાત સાથે લડશે .