દુનિયામાં કોરોના વાયરસના હાહાકાર બાદ હવે તેમાં નવા સ્ટ્રેન મળતા ફરીવાર દુનિયામાં ખૌફ ફેલાયો છે. મોટા મોટા દેશોમાં નવો સ્ટ્રેન ફેલાવાથી લોકો ગભરાયેલા છે, જેના પગલે ભારતે નવા સ્ટ્રેનને ફેલાવતા રોકવા માટે યુકેથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ મુક્યો હતો.
જોકે, આ પ્રતિબંધ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે જેને હવે વધારીને 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભારતે કોરોના વાયરસના નવા સ્ટ્રેનને ફેલાતો અટકાવવા માટે 7 જાન્યુઆરી સુધી યુકેથી આવતા વિમાનો પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા અઠવાડિયે 23થી 31 ડિસેમ્બર સુધી ભારત અને બ્રિટન વચ્ચે હવાઈ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદ હવે તેને 7 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ભારતમાં અત્યાર સુધીમાં બ્રિટેનમાંથી કોરોના વાયરસના નવા 20 કેસ સામે આવી ચુક્યા છે. ભારત ઉપરાંત શ્રીલંકા સહિત અન્ય કેટલાક દેશોએ પણ આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો છે.