નવા વર્ષના જશ્ન પહેલાં કોરોનાના મોરચા પર ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જેનો ડર હતો આખરે એ થઇ જ ગયું. ભારતમાં પણ યુકેવાળા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ 6 કેસ મળ્યા છે.
બ્રિટન સહિત યુરોપીયન દેશમાં કહેર મચાવનાર કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
ભારત સરકાર તરફથી આ વાતની માહિતી અપાઇ છે. યુકેથી પાછા આવેલા 6 લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. તેમાંથી 3 બેંગલુરૂ , 2 હૈદ્રાબાદ અને એક પૂણે ની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા. યુકેથી આવેલા લોકોના જીનોમ સ્કિવેંસિંગ કરાયા હતા, તેનો રિપોર્ટ મંગળવારે રજૂ કરાયો. જેમાં અલગ-અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવ્યું. આ તમામ લોકોને સિંગલ આઇસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવનારા નજીકના લોકોને પણ ક્વારેન્ટાઇન કરી દેવાયા છે.