ભારતમાં વિશેષ રીતે રાત્રિના સમયે એકાંતમાં રસ્તાઓ અને નેશનલ હાઈવે સુરક્ષિત નથી. છાશવારે રસ્તાઓ પર ટ્રક ડ્રાઈવરો, કાર ચાલકો અને ટુ વ્હિલર વાહનોને નિશાન બનાવવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં એક હેરાન કરી દેનાર વીડિયો સામે આવ્યો છે જેમાં એક કારને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ડ્રાઈવરની સુજબુજના કારણે લૂંટારુઓ તેમની આ યોજનામાં નિષ્ફળ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઓડિશાના જજપુરના એક સુમસામ હાઈવે પર કારને રોકીને લૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર એક સુમસામ હાઈવે પરથી પસાર થઈ રહી છે. તે દરમિયાન રસ્તાની વચ્ચો વચ્ચે એક અજાણ્યો શખ્સ ફ્લેશ લાઈટ અથવા એલઈડી ટોર્ચ જેવી વસ્તુથી ચાલકના ચહેરા પર લાઈટ મારે છે.
કાર ચાલકને પહેલા લાગે છે કે આ પોલીસ છે તેથી તેને કાર રોકવા માટેનો નિર્દેશ આપી રહ્યા છે. જોકે ત્યારબાદ કાર નજીક જતા ત્રણથી ચાર નકાબધારી લોકો હાથમાં લોખંડનો રોડ અને પાઈપ જેવા હથિયાર લઈને કારની નજીક પહોંચે છે. કાર ચાલક પોતે મુશ્કેલીમાં હોવાનું સમજીને તરત જ કારને રીવર્સમાં નાખે છે અને કારને ઝડપથી પાછળની બાજુ ભગાવી દે છે. કાર રીવર્સ લેતા ત્રણથી ચાર શખ્સો કારની પાછળ પણ દોડે છે જોકે તેઓ નિષ્ફળ રહે છે.