સ્પેનની યુનિવર્સિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ ડો.જિસસ પેટેઈરોએ વ્યક્તિનું હાર્ટ કેટલુ આરોગ્યપ્રદ છે તે જાણવાનો એક સરળ ઉપાય બતાવ્યો છે. ડૉ. જિસસ પેટેઈરોએ જણાવ્યું કે, સીડીના પગથિયાં હાર્ટની સ્થિતિ ચકાસવાની એક સરળ રીત છે. જો તમને 60 પગથિયા ચઢવામાં દોઢ મિનિટથી વધુ સમય લાગે તો એનો અર્થ એ થયો કે તમારું હાર્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય નથી અને તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
મહત્વનું છે કે, આ માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 165 લોકોનો સમાવેશ કરાયો હતો. અભ્યાસમાં મેટાબોલિક ઈક્વિવેલન્ટ (એમઈટી)માપવા માટે પહેલાં લોકોને તેમની કસરત મુજબ ટ્રેડમિલ પર તેઓ થાકી ન જાય ત્યાં સુધી ચાલવા કે દોડવાનું કહેવાયું હતું. ત્યારબાદ તેમને 60 પગથિયા ઝડપથી ચઢવા જણાવાયું અને બાદમાં એમઈટી માપવામાં આવ્યું.
40થી 45 સેકન્ડથી ઓછા સમયમાં સીડી ચઢનારાનું એમટીઈ 9થી 10 હતું. ભાગ લેનારે સીડી ચઢવામાં દોઢ મિનિટથી વધુનો સમય લીધો તેમનું એમઈટી 8થી પણ ઓછું હતું.
તો એક મિનિટથી ઓછા સમયમાં સીડી ચઢનારા 32 ટકા લોકોની તુલનામાં જે 56 ટકાએ સીડી ચઢવામાં દોઢ મિનિટનો સમય લીધો અને એક્સરસાઈઝ દરમિયાન તેમના હાર્ટની કાર્યક્ષમતા અનિયમિત જોવા મળી હતી. જો તમને 60 પગથિયાં ચઢવામાં દોઢ મિનિટથી વધુ સમય લાગે તો એનો અર્થ એ થયો કે તમારું હાર્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી.