દેશમાં એક તરફ જ્યાં ખેડૂતો પોતાની માંગો પર આંદોલન કરી રહ્યા છે ત્યાં પીએમ મોદીએ શુક્રવારે દેશના નવ કરોડ ખેડૂત પરિવારોને પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ રકમ ટ્રાન્સફર કરાવી અને દેશના છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો.
આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો. જેમાં અરુણાચપ્રદેશના ખેડૂત સાથે ચર્ચા દરમિયાન એક પ્રશ્નની સામે જે જવાબ ખેડૂતે આપ્યો તે સાંભળી આંદોલન કરી રહેલ ખેડૂતો તેમજ વિપક્ષીઓને પણ સણસણતો જવાબ મળી ગયો છે. શું ખાનગી કંપનીએ ફક્ત તમારો પાક ખરીદ્યો કે જમીન પણ લઇ લીધી? અરુણાચલ પ્રદેશના ગગન પેરિંગને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રશ્ન પૂછયો તો તેઓને થોડું આશ્ચર્ય થયું. તેમણે જવાબ આપ્યો કે ઉત્પાદનને લઇ જવા માટે એગ્રીમેન્ટ થયો છે જમીનનો નહીં.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ જ પાવન દિવસ છે અને આજે ખેડૂતોને જે નિધિ આપવામાં આવી છે તેના કારણે એક સારો અવસર પણ બન્યો છે. પીએમ મોદીએ આ પ્રસંગે દેશભરના લોકોને નાતાલ, ગીતા જયંતી અને મોક્ષદા અગિયારસ પર શુભકામનાઑ પણ આપી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મને આજે એક વાતનો અફસોસ પણ છે કે દેશના બધા જ રાજ્યના ખેડૂતો આ યોજનાથી જોડાયેલી છે પણ એક માત્ર પશ્ચિમ બંગાળના લાખો ખેડૂતો લાભ નથી લઈ શકતા કારણ કે બંગાળની સરકાર પોતાના કારણોથી જ્યાં રાજ્ય સરકારને તો કોઈ ખર્ચો પણ નથી કરવાનો તો પણ રાજ્ય સરકાર અડચણ પેદા કરી રહી છે. ત્યાંની સરકાર બધુ અટકાવીને બેસી ગઈ છે.