વર્ષ 2020ને હવે ગણતરીના દિવસો બાકી છે અને આગામી વર્ષે ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર ગણાતો ઉત્તરાયણ આવી રહ્યો છે. જોકે કોરોનાના સંક્રમણને લઈ ઉત્તરાયણની ઉજવણી થશે કે નહીં તેને લઈ ચર્ચા શરુ થઈ છે.
ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે.હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો અને સ્થિતિ ડહોળાઈ હતી, તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો.
હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.