કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજીનો મામલે ગુરુવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નિયમોના પાલન મુદ્દે રાજ્યની રુપાણી સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો.જેમાં મોટા મોટા ખુલાસાઓ થયા હતા. કોરોના મામલે થયેલી અરેજીમાં સરકાર તરફથી જવાબ રજૂ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સોગંદનામું રજૂ કર્યું હતુ.
આ સોગંદનામામાં સરકારે મોટી કબૂલાત કરી છે કે, કોરોનાવાયરસને લગતી માહિતી સીમિત છે. સરકારે કહ્યું છે કે, આ વાયરસ એક વર્ષ જૂનો વાયરસ હોવાથી વાયરસ અંગે સીમિત માહિતી છે. સોગંદનામામાં જણાવ્યા અનુસાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકારે અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે.
તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. રાજ્યમાં માસ્ક ન પહેરનારા 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. અત્યાર સુધીમાં અંદાજીત 116 કરોડ રૂપિયાનો દંડ ગુજરાતીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું છે કે, સરકારી મેડીકલ કોલેજમાં ભણેલા 900 એમબીબીએસ ડોક્ટર અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષ માટે સેવાના હુકમો કરાયા છે. એમબીબીએસના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા 6597 વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગ ની કામગીરી સોંપાઈ છે.