બ્રિટન બાદ હવે ઇટલીમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના અહેવાલ સામે આવ્યા છે. ઇટલીના સ્વાસ્થ્ય મંત્રાલયના મતે બ્રિટનથી આવેલા એક દર્દીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. આ દર્દી થોડાંક દિવસ પહેલાં જ બ્રિટનથી રોમના ફિમિસિનો એરપોર્ટ પર પહોંચ્યો ત્યારબાદ તેને આઇસોલેટ કરી દીધો છે.
ઇટલીના વિદેશ મંત્રી લુઇગી ડી માયોએ આ અંગે કહ્યું કે સરકાર કોરોના વાયરસના નવા પ્રકારથી ઇટલીના રહેવાસીઓને બચાવા માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે. આ બધાની વચ્ચે જર્મનીના અધિકારી બ્રિટનથી આવનાર ઉડાનોના સંબંધમાં ‘ગંભીર વિકલ્પ’ને લઇ વિચારી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇ પગલાં ભર્યા નથી.
આ બધાની વચ્ચે બ્રિટનના યુરોપિયન પાડોશીઓએ કોરોના વાયરસને ઝડપથી ફેલાતો રોકવા માટે આકરા પગલાં ભર્યા છે. રવિવારથી જ યુરોપિયન દેશોએ યુનાઇટેડ કિંગડમ માટે પોતાના દરવાજા બંધ કરવાનું શરૂ કરી દીધું. ઇટલીએ કહ્યું છે કે તેઓ બ્રિટનથી આવનાર ઉડાનો પર પ્રતિબંધ મૂકી દેશે.મહત્વનું છે કે, બ્રિટનના વડા પ્રધાન જોનસને ક્રિસમસની પાંચ રજામાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના તૈયાર કરી હતી પરંતુ કોરોના વાઇરસનો અત્યંત ચેપી પ્રકાર સામે આવતાં બ્રિટને પણ રવિવારથી સખ્ત લોકડાઉન લાગૂ કરી દીધું છે. તેના લીધે લાખો લોકો ઘરોની અંદર જ રહેવા મજબૂર થઇ ગયા છે.