કોરોનાનો કહેર ધીમે ધીમે ગુજરાતમાં ઘટતો જોવા મળી રહ્યો છે ત્યારે મહિનાઓથી બંધ ગુજરાતની સ્કૂલ-કોલેજો શરુ કરવા સરકાર દ્વારા વિચારણા શરુ કરી દેવામાં આવી છે અને માનવામાં આવી રહ્યુ છે કે આગામી વર્ષ એટલે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સ્કૂલ-કોલેજો ખોલી દેવામાં આવશે. ગુજરાતમાં આગામી વર્ષના શૈક્ષણિક સત્રથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
આ અંગે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધોરણ 9થી 12ની પરિક્ષા યોજવા સરકાર વિચારણા કરી રહી છે.
કોરોનાકાળમાં ધોરણ 1થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તો સંભવ છે કે બાળકોને કોરોનાનુ સંક્રમણ લાગી શકે છે. જ્યારે 9થી 12ના વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરિક્ષા લઈ શકાશે. જાન્યુઆરી 2021થી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરાશે. ત્યારે રાજ્યમાં સ્કૂલ-કોલેજો ખુલ્યા બાદ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવાનું રહેશે. સ્કૂલ-કોલેજ ખોલવાની તારીખને લઈ હાલ વિચારણા ચાલી રહી છે જોકે ક્યારે ખોલવામાં આવશે તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવી શકે છે.