ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોના સામાન્ય જનજીવન પર મોટી અસર પડી હતી. તેમાંય લોકડાઉનના ગાળામાં નોકરી-ધંધાથી લઈ ધાર્મિક સ્થળો પણ બંધ હતા. ત્યારે લોકડાઉન હટાવી લેવાયા બાદ જનજીવન ફરી એકવાર ધબકતુ થયુ છે જોકે તેમ છતાં કોરોનાનું સંક્રમણ હજી યથાવત હોવાથી માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ ખૂબ જ જરુરી બન્યું છે.
ત્યારે કોરોનાની અસર આગામી વર્ષે 2021માં યોજાનાર કુંભ મેળા પર પણ પડશે. મહામારીના લીધે મેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે લાખો લોકોને સ્નાન કરાવવામાં આવશે. તપાસ માટે મેળા ક્ષેત્રમાં જ 3 મોટા કોવિડ સેન્ટર ઉભા કરાશે. પ્રથમ વખત સામાન્ય ઘાટની સાથે આર્ટિફિશિયલ ઘાટનો પણ પ્રયોગ થશે. અસ્થાયી રૂપે પ્લાસ્ટિકથી બનેલા આ ઘાટ પર સુરક્ષા માટે ડીપ વોટર બેરિકેડિંગ થશે.
પ્રત્યેક બેરિકેડિંગ ચાર મીટરના દાયરામાં રહેશે. જેમાં પાણીનુ સ્તર મહત્તમ ચાર ફૂટનુ રહેશે. જેથી શ્રદ્ધાળુઓ સુરક્ષિતપણે સરળતાથી સ્નાન કરી શકે.મેળા ક્ષેત્રને જોડવા માટે આ વખતે 3 સ્થળો પર માત્ર 5 અસ્થાયી લિંક પુલ બનાવવામાં આવશે. મહત્વનું છે કે, 11 માર્ચ 2021થી પ્રથમ શાહી સ્નાનનો પ્રારંભ થશે. ત્યારબાદ 12 એપ્રિલે બીજુ શાહી સ્નાન, 14 એપ્રિલે ત્રીજુ અને ચોથુ શાહી સ્નાન 27 એપ્રિલ ચૈત્ર પૂનમે યોજાશે. આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.