રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તરીય બર્ફિલા પવનને કારણે અમદાવાદ સહિત રાજયભરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. નલિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક જ દિવસમાં ઠંડીનો પારો ૬ ડિગ્રી ઘટીને 2.5 ડિગ્રી થયો હતો. તો અમદાવાદમાં પણ ઠંડા પવનને કારણે લોકો ઠૂંઠવાયા હતા.
રાજ્યના 12 શહેરમાં 13 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9.8 અને ગાંધીનગરમાં 11.2 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી રહી છે.
રાજ્યમાં હજી કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો પારો હજી પણ 2થી 3 ડિગ્રી ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સુસવાટા મારતા પવનોના કારણે હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 20 ડિસેમ્બરથી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.