દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડની વિરોધમાં અને વિપુલ ચૌધરીના સમર્થનમાં સોમવારે સવારે મહેસાણામાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આમ છતાં વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
વિપુલ ચૌધરીના સમર્થકો રસ્તા પર ઉતરી જતા પોલીસે મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયાસ કરનારા 20થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણના પણ અહેવાલ સામે આવ્યા હતા.મળતી માહિતી મુજબ, દૂધસાગર ડેરી ચૂંટણીને મામલે વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલી આયોજિત કરાઈ હતી. પશુપાલકો રેલી યોજે તે પહેલાં જ અટકાવી દેવાયા હતા. મહેસાણા ડીવાયએસપી રુહી પાયલાએ નિવેદન આપ્યું હતું કે, 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી.રેલીને મંજૂરી નહીં હોવાથી અટકાયત કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી બાદ પશુપાલકો વિખેરાઈ ગયા હતા.