કોરોનાથી સાજા થયેલા લોકોમાં અનેકવાર ઉધરસ, તાવ, શરદી જેવા પોસ્ટ કોવિડ લક્ષણો જોવા મળે છે. જે થોડા સમયમાં સારું પણ થઈ જાય છે. પરંતુ હવે ભારતમાં કેટલાક એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં કોરોનાથી સાજા થયા બાદ લોકોમાં એક નવી જીવલેણ બીમારી પેદા થઈ રહી છે.
આ એક એવી બીમારી છે જેમાં 50 ટકા સુધી મોતની શક્યતા રહેલી છે. આ બીમારીનું નામ છે મ્યુકોરમાઈકોસિસ. મ્યુકોરમાઈકોસિસ એક ફંગલ ઈન્ફેક્શન છે. જેમાં દર્દીના બચવાના ચાન્સ 50 ટકા હોય છે. આ બીમારી કોરોનાને માત આપી ચૂકેલા લોકોને થઈ રહી છે. જેમાં લોકોની આંખોની પુતળી બહાર આવી જાય છે.
આ બીમારીથી ઠીક થનારા લોકોમાં મોટા ભાગના લોકોની આંખની રોશની પણ જતી રહે છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદના રેટિના એન્ડ ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાએ આ બીમારી સામે ઝઝૂમી રહેલા લોકોની જાણકારી આપી. ડો. પાર્થના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 5 દર્દીઓ આ બીમારીના કારણે તેમની પાસે આવ્યા છે. જેમાંથી 2ના મોત થયા છે. આ ઉપરાંત સાજા થયેલા 2 લોકોની આંખની રોશની જતી રહી છે. આ તમામ દર્દીઓ કોવિડ 19ને માત આપીને આવ્યા હતા.