જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી મંજૂરી ગુજરાત સરકારે આપી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સાથે જ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય લીધો છે. તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય સાથે જ આ પગલું લેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ : ગુજરાત સરકારે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેના નિર્ણયને આખરી મંજૂરી આપી દીધી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
જોકે, હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં સરકારે જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું જાહેરનામું પણ જાહેર કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.