ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. કોરોનાના સંક્રમણને ફેલાવવા જ્યાં એકબાજુ રાજ્ય સરકારો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો ઘણા કિસ્સામાં રાજ્ય સરકારોની લાલીયાવાડી પણ સામે આવી રહી છે. જેને લઈ સુપ્રીમ કોર્ટ પણ રાજ્ય સરકારો પર ફિટકાર વરસાવી રહી છે.
ત્યારે વધુ એક વખત સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કોરોનાના સંક્રમિત દર્દીઓને લઈ મહત્વનો આદેશ કર્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોને મહત્વના નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ રાજ્ય કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર કોરોના અંગેનું પોસ્ટર લગાવી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં પોસ્ટર લગાવવા સંબંધિત એવી કોઈ પણ વાત કહેવામાં આવી નથી. જોકે તેમ છતાં રાજ્ય સરકારો દ્વારા દર્દીના ઘરની બહાર પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીનો આદેશ હશે તો જ ઘરની બહાર પોસ્ટર લગાવી શકાશે.