કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિની સામે ભારત બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારે કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ ધોરી માર્ગો પર પહોંચી ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને ચક્કાજામ કર્યો હતો. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હી ખાતે પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ધરણા અને પ્રદર્શન વચ્ચે આજે એટલે કે 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે.
ત્યારે બીજી તરફ બંધની અસર વહેલી સવારે ગુજરાતમાં પણ જોવા મળી હતી. ખેડૂતોએ આપેલા ભારત બંધના પગલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસે વહેલી સવારે અમદાવાદ-કંડલા હાઈવે પર પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજી તરફ , વડોદરા, ભરૂચ સહિતના ધોરી માર્ગો પર પણ કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવી આક્રમક રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ટાયરો સળગાવતા હાઇવે પર વહેલી સવારે વાહનોની કતાર લાગી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવી ચક્કાજામ કરતા તંત્રની પણ નિષ્ફળતા જોવા મળી. કારણકે સોમવારે સાંજે જ રાજ્યના ગૃહ વિભાગ તેમજ રાજ્યના ડીજીપીએ પોલીસ વિભાગ તેમજ વહિવટી તંત્રને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે કોઈ અનિચ્છનિય ઘટના ન બનવી જોઈએ. જોકે તેમ છતાં કોંગ્રેસ સહિતના સંગઠનો દ્વારા રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં રસ્તા ચક્કાજામ કરી રહેલ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
https://twitter.com/TheSquirrelin/status/1336203697999630336?s=20