રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડોક્ટરની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચિઠ્ઠી ફરજિયાત હતી.
આરોગ્ય ખાતાના અધિક નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા લેખિત આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કોરોનાનો ટેસ્ટ કરાવવા માગતો હોય તો તે કોઈપણ પ્રિસ્ક્રિપ્શન કે ભલામણ વિના નિયત ચાર્જ ચૂકવીને ટેસ્ટ કરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્રએ ગુજરાતમાંથી આવતા તમામ લોકોને માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે. જેના કારણે પણ જે લોકોને મહારાષ્ટ્ર જવું જ પડે તેમ હોય તેવા લોકો ખાનગી લેબમાં આ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. જોકે, તેના માટે ડૉક્ટરની ભલામણની જરુર હોવાથી ખાનગી લેબ ટેસ્ટનો ઈનકાર કરતી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. તેવામાં સરકારે હવે આ ટેસ્ટ કોઈપણ વ્યક્તિ કરાવી શકે તેના માટે ડોક્ટરની ભલામણની જરુરને મરજિયાત બનાવી દીધી છે.