વિશ્વના અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. ત્યારે યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે દવા બનાવતી કંપની ફાઇઝર અને બાયો એન ટેકની કોરોના વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
બ્રિટિશ રેગ્યુલેટર MHRA એ આ અંગે માહિતી આપી છે. જેમાં જણાવાયું છે કે, કોવિડ-19 સામે 95% પ્રોટેક્શન આપતી આ રસી સુરક્ષિત છે. યુકેએ 20 મિલિયન લોકોને 2 ડોઝ આપવા માટે રસીના 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. રસીના 10 મિલિયન ડોઝ જેમ બને તેમ જલદી ઉપલબ્ધ થશે.
બહુ જલદી રસીનો પહેલો ડોઝ યુકે પહોંચશે. રસીના કોન્સેપ્ટથી રિયાલિટી સુધી પહોંચવામાં કોરોનાની આ રસી સૌથી ઝડપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જે પ્રક્રિયામાં દાયકો નીકળી જાય છે તેના માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે. જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ રસીકરણ ચાલુ થયા બાદ પણ લોકોએ સાવચેત રહેવાની અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે. કારણકે તેનાથી કોરોનાના સંક્રમણને ફેલાતો બને ત્યાં સુધી રોકી શકાય. એટલે કે સામાજિક અંતર રાખવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.