દેશભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યુ છે. કોરોનાના કહેરના પગલે વિવિધ કંપનીઓ દ્વારા વેક્સિન બનાવવા પર કામ પણ ચાલી રહ્યુ છે. ત્યારે હવે એ ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે કે કોરોનાની વેક્સિન બની ગયા બાદ પ્રાથમિક તબક્કામાં આ રસી કોને આપવામાં આવશે. ત્યારે કોરોના મહામારીના સમયમાં કોવિડ વેકિસન સંદર્ભમાં અમદાવાદ આરોગ્ય ભવન ખાતે કોરોના વોરીયર્સની મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. બેઠકમાં ટાસ્કફોર્સની રચના કરવાથી લઈ કોને અગ્રમિતા આપવી એ અંગે પણ ચર્ચા કરાવામાં આવી હોવાની વિગત સામે આવી છે.
મળતી માહીતી મુજબ, અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ ફરી એક વખત કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા મ્યુનિ.ના આરોગ્ય ભવન ખાતે સરકાર તથા મ્યુનિ.આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત કોરોના સંક્રમણ સામે ફરજ બજાવી રહેલા વોરીયર્સની એક મહત્વની બેઠક મળી હતી.
આ બેઠકમાં વેકિસન આપતા અગાઉ ટાસ્કફોર્સની રચના કરવા ઉપરાંત કોવિડ વેકિસન આપવાની થાય એ સમયે કયાં-કેવી રીતે આપવી એ અંગે ચર્ચા કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોવિડ પેશન્ટની સારવાર સાથે સંકળાયેલા સ્ટાફને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. જેમાં પટાવાળાથી લઈ સ્ટાફ નર્સ, તબીબો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને પહેલા રસી આપવામાં આવશે.